શું બંધ ઓરડાઓમાં સેક્સ વર્કર્સને પ્રેમ થાય?
"શું તમને ખબર છે આજે વૅલન્ટાઇન ડે છે? પ્રેમનો દિવસ...મારો અર્થ છે કે, પ્રેમની ઉજવણી કરવાનો દિવસ...?"
મેં જરાક ખચકાઈને અને ડરતા ડરતા એક પાતળી મહિલાને આ પ્રશ્ન કર્યો.
પથ્થર પર બેઠેલી થાકેલી આ મહિલાના ઉજાગરા તેની આંખોમાં સ્પષ્ટ દેખાતા હતા.
તેની આંખો નીચે કાળાં કૂંડાળા થઈ ગયા હતા અને આંખો અંદર ઊંડી ઊતરતી જતી હતી.
તે કદાચ કંઈક ચાવી રહી હતી, પણ પ્રશ્ન સાંભળીને એક ખૂણામાં થૂંક્યા પછી બોલી, "હા મને ખબર છે, વૅલન્ટાઇન ડે છે. તો?"
શું તમને કોઈ સાથે પ્રેમ છે? તમારા જીવનમાં કોઈ છે જે તમને પ્રેમ કરતું હોય?
મારા સવાલ પૂરા નહોતા થયા પણ તેમણે મને વચ્ચે ટોકતા કહ્યું, "વેશ્યાગૃહમાં રહેતી વ્યક્તિને કોણ પ્રેમ કરે મેડમ? કોઈ પ્રેમ કરે, તો અમે શું અહીં બેસી રહીશું."
આટલું કહીને તેમણે મને બેસવા માટે ઇશારો કર્યો. આથી હું તેમની પાસે નીચે જમીન પર જ બેસી ગઈ અને વાતચીત કરવા લાગી.
રસ્તાની નજીક એક સાંકડી જગ્યામાં એક ગલી છે. જેમાં ઘણી મહિલાઓ થોડે-થોડે અંતરે બેઠેલી જોવા મળતી હોય છે.
ગલી અને મુખ્ય માર્ગ વચ્ચે જેટલી જગ્યા વધી હતી, ત્યાં પગપાળા જતાં લોકોની અવર-જવર હતી.
હું દિલ્હીમાં આવેલા જીબી રોડમાં એક એવા વિસ્તારમાં હતી, જ્યાં મહિલાઓ સેક્સ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
અહીં આવતા પૂર્વે મને સાવધાન અને સતર્ક રહેલા માટે સલાહ આપવામાં આવી હતી.
વળી, હું આ તમામ બાબતનું ધ્યાન રાખી રહી હતી અને તેનું પાલન પણ કરી રહી હતી.
'આ મહિલાઓ પાસે લોકો માત્ર સેક્સ માટે જાય છે'
હું જાણવા માંગતી હતી કે, જે મહિલાઓ પાસે લોકો માત્ર સેક્સ માટે જાય છે, તેમના જીવનમાં પ્રેમ જેવી કોઈ અનુભૂતિ છે કે નહીં?
શું વૅલન્ટાઇન ડેનો ઉલ્લેખ તેમની આંખોમાં કોઈ ચમક લાવે છે કે નહીં?
આ જ સવાલ મને આ જગ્યાએ ખેંચી લાવ્યો. મેં વિચાર્યું હતું કે, કોઈ એવી જગ્યા પર જઈ રહી છું, જ્યાં રંગબેરંગી તોરણો અને લાઇટ્સ લગાવેલી હશે.
ફિલ્મોમાં આવી જગ્યાને આ જ રીતે દર્શાવવામાં આવે છે, પણ ત્યાં મને આવું કંઈ જ જોવા ન મળ્યું.
તે એક ભીડભાડવાળો વિસ્તાર હતો જ્યાં એક તરફ નાનું પોલીસ સ્ટેશન, હનુમાનજીનું મંદિર અને કેટલીક દુકાનો હતી.
પૂછપરછ કરતા એક વ્યક્તિએ આ જગ્યાનો રસ્તો બતાવ્યો. અહીં એક મહિલા કમર પર હાથ રાખીને ઊભી હતી.
હું સ્મિત સાથે તેમને મળી. મારાથી આપી શકાયું તેટલું સ્મિત મેં આપ્યું.
મેં આવી રીતે વર્તાવ કર્યો જાણે હું તેમને પહેલાથી જ ઓળખું છું.
થોડીક વાર વાતચીત કર્યા પછી તે મને અન્ય મહિલાઓને મળાવવા સંમત થઈ ગઈ અને આ રીતે મારી મુલાકાત એ પાતળી મહિલા સાથે થઈ જેમના વિશે મેં અગાઉ ઉલ્લેખ કર્યો.
કર્ણાટકની આ મહિલાનું કહેવું હતું કે, પ્રેમની વાતોને કચરાપેટીમાં નાખી દીધી છે.
પોતાના ચહેરા તરફ ઈશોરો કરતા મને કહ્યું, "જ્યાં સુધી તન સારું છે, ગુજરાન ચાલશે. અમારી પાસે બધા એક કલાક સુધી રોકાય છે. માત્ર શારીરિક સુખ મેળવવા આવે છે. પછી બધું ખતમ."
કોલકાતાની નિશા છેલ્લા બાર વર્ષથી આ વ્યવસાયમાં છે. તેણે કહ્યું, "એક બાજુ પરુષો મોટી મોટી વાતો કરે છે, પણ કોઈનામાં એટલી હેસિયત નથી કે અમને પ્રેમ કરવાની હિંમત કરે."
"કોઈનામાં એટલો દમ નથી કે અમને અહીંથી તેમના ઘરે લઈ જાય."
શું બાર વર્ષમાં તેમણે અહીં કોઈને પ્રેમ થયો હોય તેવું જોયું છે? જવાબમાં મને કહ્યું, "આવું થયું છે. લોકો આવે છે. પ્રેમના વાયદાઓ કરે છે. લગ્ન કરે છે અને બાળકો પણ થાય છે, પણ કેટલાક સમય પછી ત્યજીને જતાં રહે છે."
પ્રેમ પણ કર્યો અને લગ્ન પણ
36 વર્ષીય રીમા સાથે પણ આવું જ કંઈક થયું. તે કહે છે, "તમે પૂછ્યું તો હું કહી રહી છું. મને પ્રેમ થયો હતો. એક ગ્રાહક સાથે જ થયો હતો. અમે લગ્ન કર્યાં અને ત્રણ બાળકો પણ છે."
રીમાને લાગ્યું કે લગ્ન બાદ તેમનું જીવન બદલાઈ જશે પણ આથી વિપરીત તે વધુ મુશ્કેલ થઈ ગયું.
આ વાતને યાદ કરતા તે કહે છે, "તે વ્યક્તિ દિવસ-રાત દારૂનું સેવન કરતી અને ડ્રગ્ઝના નશામાં ધૂત રહેતી હતી.
"મારી સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી. મેં આ બધું સહન કર્યું પણ પછીથી બાળકો પર પણ હાથ ઉઠાવવાનું શરૂ કર્યું"
આથી આખરે રીમાએ કંટાળીને તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો અને વેશ્યાગૃહમાં પરત આવી ગઈ.
એ જગ્યા જ્યાંથી હંમેશાં માટે તેને બહાર કાઢવાના વાયદા થયા હતા.
અમારી વાતચીત ચાલુ હતી, પણ ત્યાં એક મહિલાએ મને ઉપરના કેટલાક રૂમમાં જવા માટે કહ્યું.
તેમણે કહ્યું, "મેડમ તમે ઉપરના રૂમમાં જતા રહો. તમને ઘણી બધી મહિલાઓ મળી જશે, કેમ કે અહીં તમને જોઈને લોકો એકઠા થઈ રહ્યા છે. આ ઠીક નથી."
બંધ અને અંધારાવાળા રૂમ
સેક્સવર્કરના રહેવાનો રૂમ
એક પળ માટે વિચારીને હું ઉપર બનેલા રૂમમાં જવા માટે ઉંચી-નીચા દાદર ચઢવા લાગી. બીજા માળ પર પહોંચતા જ એકાએક અંધારું થઈ ગયું.
હું ડરી ગઈ અને ચીસ પાડી કે અહીં તો ખૂબ જ અંધારું છે. આથી નીચેથી કોઈએ કહ્યું, "મોબાઇલમાં લાઇટ ચાલુ કરીને જતાં રહો."
હિંમત કરીને મેં મોબાઇલની લાઇટ ચાલુ કરી અને ચોથા માળ પર પહોંચી ગઈ. અહીં 10થી 12 યુવતીઓ હતી.
કેટલીક યુવતીઓએ જીન્સ પેન્ટ અને ટીશર્ટ પહેર્યાં હતાં, જ્યારે કેટલીકે સાડી પહેરી હતી. વળી કેટલીક માત્ર 'સ્પગેટી' અને ટુવાલમાં જ હતી.
મારી સામે એક સાથે સવાલોનો મારો થવા લાગ્યો. "તમે ફોનમાં કશું રેકોર્ડ તો નથી કરી રહ્યાને? તમે કેમૅરા તો નથી છૂપાવ્યો ને? તમે કોઈ તસવીર નથી લીધીને?"
આથી તરત મેં માહોલ સમજવાની કોશિશ કરી અને 'ના' કહ્યું.
ત્યાં નાના રૂમ હતા જેમાં કેટલાક પુરુષો પણ હતા. એક વ્યક્તિ લક્ષ્મી અને ગણેશની તસવીરને અગરબત્તી કરી રહી હતી અને એક કપમાં ચા નાખી રહ્યો હતો.
વેશ્યાલયમાં ભારત
પ્રતિકાત્મક તસવીર
ત્યાં કોઈ યુવતી રાજસ્થાનની હતી, તો કોઈ પશ્ચિમ બંગાળની હતી. વળી કોઈ મધ્યપ્રદેશ તો કોઈ કર્ણાટકની હતી.
મને આ નાના રૂમમાં એક નાનું ભારત દેખાયું. તે તમામ યુવતીઓ મને મારા જેવી જ લાગી રહી હતી.
આ બધું વિચારતા વિચારતા મેં વીંટી તાકી રહેલી એક યુવતીને પૂછ્યું કે શું તે કોઈને પ્રમ કરે છે? શું તેમના જીવનમાં પણ કોઈ ખાસ વ્યક્તિ છે?
તેમણે સ્મિત સાથે કહ્યું, "હવે તો કોઈ પ્રેમની વાત કરશે તો પણ વિશ્વાસ નહીં આવે.
"નાણાં આપો, થોડી વાર સાથે રહો અને જતાં રહો પણ અમને પ્રેમના જૂઠ્ઠાં સપના ન બતાવો."
તે સતત બોલતી રહી,"એક વ્યક્તિ હતી જે મારી સાથે પ્રેમની વાતો કરતી હતી અને પછી પ્રેમના બહાને નાણાં ઉસેટવા લાગી હતી. શું આવી રીતે કોઈ પ્રેમ કરે?"
નજીકમાં ઊભેલી અન્ય યુવતીએ કહ્યું,"મારો એક પુત્ર છે. હું તેને ઘણો પ્રેમ કરું છું. હું તો સલમાન ખાનને પણ પ્રેમ કરું છું. તેની કોઈ નવી ફિલ્મ આવી રહી છે કે નહીં."
આટલું કહેતા કહેતા તે જોરથી બોલી,"ઉપર..ઉપર..ઉપર! મેં ગભરાઈને જોયું. તે હસી અને બોલી, અરે કશું નહીં મેડમ, કદાચ કોઈ ગ્રાહક હતો. તેને ઉપર બોલાવી રહી હતી. "
"આ જ અમારું જીવન છે. તમે અમને સવાલ જ ખોટો પૂછ્યો."
હવે હું ખૂણામાં ઊભી રહેલી એક અન્ય યુવતી સાથે વાત કરવા માંગતી હતી. તે મને ચૂપચાપ સાંભળી રહી હતી.
હું તેની તરફ આગળ વધી પણ તેણે પીછેહઠ કરી અને કહ્યું, "બાથરૂમ ખાલી થઈ ગયું છે. હું નાહવા જઈ રહી છું. મારે શિવરાત્રીનું વ્રત છે." આટલું કહીને તે જતી રહી.
વાતો વાતોમાં ઘણો સમય વીતી ગયો હતો. હું ભારે મન સાથે દાદર ઊતરવા લાગી.
મને એવી કોઈ પણ મહિલા ન મળી જેના જીવનમાં પ્રેમ હોય.
આ વિચારોમાં હું ભીડભાડવાળા રસ્તા પર આવી ગઈ. નજીકની કોઈ દુકાનમાં ગીત વાગતું હતું- બન જા તૂ મેરી રાની, તેનું મહેલ દીલા દૂંગા.